રિલાયન્સનો ગેસ અને મોંઘવારી
આપણી જનતાને વારંવાર ડરાવવામાં આવે છે કે ગસની કિંમત વધી જવાથી આખા દેશમાં મોંઘવારીમાં બેફામ વધારો થશે, પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠશે. આ વાતમાં કોઈ વજૂદ છે, કે પછી ચૂંટણીની સિઝનમાં ચાલતો આ એક દૂષપ્રચાર છે? અત્રે નક્કર હકીકત જણાવી જરૂરી થઈ પડે છે.
એવી બૂમરાણ મચાવવામાં આવી રહી છે કે ગસના ભાવ વધી જતા રાંધણ ગેસ - આર્થાત એલ.પી.જી ની કિંમત બમણી થઇ જશે, પરંતુ તમને ખબર હશે કે રિલાયન્સ જે ક્ષેત્રમાંથી ગેસનું ઉત્પાદન કરે છે, તે ગેસમાંથી રાંધણ ગેસ બનતો નથી. તમારી જાણકારી માટે અત્રે જણાવવું જરૂરી છે કે એલ.પી.જી અર્થાત રાંધણ ગેસ પ્રોપેન અને બ્યુટેન માંથી બને છે. આ ઘટકો કે.જી. ડી6 માંથી નીકળતા ગેસમાં હાજર નથી,એટલે એલ.પી.જી રાંધણ ગેસ ની કિંમત તથા ગેસના ભાવ વધારા સાથે કોઈ સંબંધ નથી.
વધુ એક બાબત ધ્યાન આપવા જેવી છે કે પાંચ વર્ષોથી ગેસના ભાવો સ્થિર છે, પરંતુ પાંચ વર્ષો પૂર્વે જે એલ.પી.જી નું સિલીન્ડર તમે રૂ. 250 માં ખરીદતા હતા, હાલમાં તે રૂ. 450 માં વેચાય છે. જો ગેસના ભાવ સાથે રાંધણ ગેસનો કોઈ સંબંધ હોત તો પાંચ વર્ષોમાં ગેસના ભાવો કેવીરીતે વધી ગયા? પ્રજાને રવાડે ચઢાવવા આવા તરકટ ઘડી કાઢવામાં આવે છે. હકીકત એ છે કે એલ.પી.જી એટલેકે રાંધણ ગેસ રીફાઇનરીમાં કાચા તેલ જેવા પેટ્રોલિયમ પદાર્થોમાંથી બને છે, તેનો ગેસના ભાવ સાથે કોઈ સંબંધ નથી.
ગેસના પ્રવર્તમાન ભાવની સમયમર્યાદા 31 માર્ચ, 2014 ના દિવસે પૂરી થઇ હતી, તો આ વાત સ્પષ્ટ છે કે 1 એપ્રિલ 2014 થી ગેસના ભાવોમાં થયેલા ફેરફાર કોઈ નાનો નીતિવિષયક નિર્ણય નથી. વાસ્તવમાં આ એક જૂનો નિર્ણય છે, તેના અમલીકરણનો સમય પસાર થઇ ચૂક્યો છે. તેની વિધિસર જાહેરાત કરવી એ માત્ર ઔપચારિકતા હતી. આ જાહેરાતથી વર્તમાન સત્તાધારી પક્ષને ચૂટણીમાં કોઈ લાભ થવાની રજ માત્ર શક્યતાજ નથી. જે લોકો આ બાબતમાં વાંધા વચકા કાઢી રહ્યા છે, તેમનો હેતુ શું ચૂટણીમાં લાભ ખાટવાનો નથી? અને કદાચ, એ લાભ મેળવીને તેઓ પોતેજ ચુંટણી સંધર્ભીત આચારસંહિતાનો ભંગ કરવાનો અપરાધ નથી કરી રહ્યા?